ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતા સરકારની પણ ઊંઘ ઉડી ગઈ છે. વડાપ્રધાનની ટકોર બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટિંગ પ્રક્રિયામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 14 ઓગસ્ટ સાંજથી 15 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1087 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 76569 થઈ છે.
(File Pic)
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1083 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2748 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 59622 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(File Pic)
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 232 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 161, વડોદરામાં 107 અને રાજકોટમાં 99 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 24, જામનગરમાં 56. અમરેલીમાં 29 અને આણંદ જિલ્લામાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14299 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.