કર્ણાટકની રાજધાની બેંગલોરમાં મંગળવાર રાતે થયેલી હિંસા બાદ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. આ હિંસાની ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 50થી વધુ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજ્ય સરકારે આ સમગ્ર હિંસાને સુનિયોજિત ગણાવી છે. આ હિંસામાં અનેક સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે.
(File Pic)
રાજ્ય સરકારે હિંસાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટથી કરાવવાની જાહેરાત કરી છે. સાથો સાથ કર્ણાટક સરકારે નક્કી કર્યું છે કે હિંસા દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ હિંસક પ્રદર્શન કરનારાઓ પાસેથી વસુલવામાં આવશે. કૉંગ્રેસ ધારાસભ્યના કથિત સગા દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટથી નારાજ થઈને તોડફોડ અને હિંસા પર ઉતરેલી ભીડને વિખેરવા માટે પોલીસે ફાયરિંગ કરતા ત્રણ લોકોનાં મોત થયા છે.
બેંગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતના જણાવ્યા મુજબ, પોલીસના ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પુલાકેશી નગરમાં થયેલા તોફાનોના સંદર્ભમાં 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસાની ઘટના અંગે મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, જે રીતે હિંસા ભડકી છે, તેનાથી જાણી શકાય છે કે તે સુનિયોજિત હતી અને તેનો ઉદ્દેશ્ય શહેર અને અન્ય હિસ્સામાં પણ હિંસા ભડકાવવાનો હતો. આ લોકો દેશદ્રોહી છે.