રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરુ થઈ ચુક્યુ છે. રામ મંદિર નિર્માણ કાર્યના શિલાન્યાસનો કાર્યક્રમ હાલમાં જ વિધિવત રીતે પૂર્ણ થયો છે. ત્યારે કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તરપ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને 2.1 ટન એટલે કે 2100 કિલોવજન ધરાવતા અષ્ટધાતુનો ઘંટ તૈયાર કર્યો છે.
મળતી માહિતી મુજબ, દાઉ દયાલ નામના વ્યક્તિ 30થી વધારે વર્ષોથી વિવિધ આકાર-પ્રકારના ઘંટ બનાવે છે. જોકે આ વખતે તેમણે પોતાની ટીમ સાથે મળીને અયોધ્યાના રામ મંદિર માટે 2100 કિલોગ્રામના વજનનો ઘંટ તૈયાર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે જે વ્યક્તિએ તેની ડિઝાઈન તૈયાર કરી છે તે એક મુસ્લિમ કારીગર છે જેમનું નામ ઈકબાલ મિસ્ત્રી છે. કોમી-એખલાસની અનોખી મિસાલ સમાન શ્રીરામ મંદિરના ઘંટને તૈયાર કરવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે.
આ અંગે દાઉ દયાલે કહ્યું હતું કે, અમારા મુસ્લિમ ભાઈઓ ઘંટના નિર્માણની ડિઝાઈનિંગ, ગ્રાઈન્ડિંગ અને પોલિશિંગ જેવી પ્રક્રિયામાં નિષ્ણાત છે.
તેમણે રામ મંદિર માટેના આ ઘંટના નિર્માણમાં અમને મદદ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આટલા મોટા કદના પિત્તળના ઘંટના નિર્માણમાં ખુબ જ સાવચેતી ખૂબ જ જરુરી હોય છે.
એકાદ ભૂલ મહિનાઓની મહેનત પર પાણી ફેરવી શકે છે, પણ પ્રભુ કૃપાથી બધુ યોગ્ય રીતે પાર પડી ગયું. મહત્વનું છે કે, આ ઘંટને તૈયાર કરવામાં માત્ર પિત્તળનો જ ઉપયોગ નથી કરવામાં આવ્યો. તેમાં સુવર્ણ, રજત, કાંસ્ય, જસત, સીસુ, લોખંડ, પારા અને ટીન જેવી અષ્ટધાતુનો પણ ઉપયોગ કરાયો છે.