અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં શનિવાર રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી છે. શનિવારની રાત્રે વરસાદે વિવિધ પંથકોમાં ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રાતભર વરસાદી માહોલ રહ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
(File Pic)
મળતી માહિતી મુજબ, ગત રાત્રિ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આખી રાત વરસાદ પડ્યો હતો. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, પંચમહાલ, સુરત, ભાવનગર, ખેડા, આણંદ સહિતના અનેક જિલ્લાઓમાં રાતભર વરસાદ વરસતા લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી. વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરત શહેરમાં વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સુરતના રાંદેર, ઉધના, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
બીજીબાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની પડે તેવી સંભાવના છે.