પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પોતાની વાત રજુ કરી હતી. શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત ઈ-કોન્કલેવમાં પીએમ મોદીએ પોતાનું સંબોધન કર્યુ 34 વર્ષ બાદ બદલાયેલી શિક્ષણ નીતિ અંગે વડાપ્રધાન મોદીએ વાત કરતા જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ કોઈના તરફી નથી કે વિરોધી પણ નથી. તેમણે જણાવ્યું કે ત્રણ-ચાર વર્ષના વિચાર વિમર્શ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી છે.
(File Pic)
આજે દરેક વિચારધારાના લોકો આ મુદ્દા પર મંથન કરી રહ્યા છે. આજે આ નીતિનો કોઈ વિરોધ નથી કરી રહ્યું. કારણકે આમાં કંઈપણ એક તરફી નથી. હવે લોકો વિચારી રહ્યા છે કે આટલા મોટા રિફોર્મને સ્થાનિક સ્તરે કઈ રીતે અમલીકરણ કરાવવું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ નવી શિક્ષણ નીતિને સ્થાનિક સ્તરે લાગુ ઝડપથી કરવામાં આવશે અને તેના માટે શક્ય તેટલી મદદ કરવા હું પણ તમારી સાથે છું.
(File Pic)
વડાપ્રધાને જણાવ્યું કે, દેશની શિક્ષણ નીતિમાં દેશના લક્ષ્યોને ધ્યાનમાં રાખવુ જરુરી હોય છે. જેથી ભવિષ્ય માટે પેઢીને તૈયાર કરી શકાય. આ નીતિ નવા ભારતનો પાયો નાખશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતને શક્તિશાળી બનાવવા માટે નાગરીકોને સશક્ત બનાવવા માટે સારુ શિક્ષણ પણ જરુરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્થાનિક ભાષા અંગે વાત કરતા જણાવ્યું કે, બાળકોમાં કંઈક નવુ શીખવાની ઈચ્છા વધુ જાગૃત થાય તે માટે સ્થાનિક ભાષા પર પણ ફોકસ કરાયુ છે. તેમજ નર્સરીમાં જતા બાળકો પણ નવી ટેકનીક વિશે શિક્ષણ મેળવશે, જેથી તેને ભવિષ્યની તૈયારી કરવામાં સરળતા રહેશે.