અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેળાયુ છે. અયોધ્યા રામ મંદિરને લઈ પાકિસ્તાનના નિવેદન પર ભારતે પણ સણસણતો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી.
(File Pic)
પાડોશી દેશને જડબાતોડ જવાબ આપતા ભારતે જણાવ્યું કે, તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. મહત્વનું છે કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી.
(File Pic)
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું હતું કે, કે પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે ‘અમે ભારતના આંતરિક મામલા પર મીડિયામાં પાકિસ્તાનના નિવેદનને જોયું.
પાકિસ્તાને ભારતના મામલાઓથી દૂર રહેવું જોઈએ. આપને જણાવી દઈએ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે અનેક પાડોશી દેશોમાં પણ રામાયણ છે અને ત્યાં પણ રામની ચર્ચા થાય છે. ભૂમિપૂજન બાદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટના ત્રુટિપૂર્ણ નિર્ણયે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો, જે માત્ર ન્યાય પર આસ્થાની પ્રધાનતા જ નથી દર્શાવતું પણ આજના ભારતમાં વધતા બહુસંખ્યવાદને પણ દર્શાવે છે. જ્યાં અલ્પસંખ્યકો, ખાસ કરીને મુસલમાનો અને તેમના પૂજા સ્થળો પર હુમલા વધી રહ્યાં છે.