અયોધ્યા આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. અયોધ્યાવાસીઓની સાથે સાથે કરોડો હિન્દુઓનું વર્ષો જુનું સપનું સાકાર થયું છે ત્યારે રામની નગરીમાં અયોધ્યા સહિત દેશભરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતના પણ વિવિધ શહેરોમાં રામ મંદિરના ભૂમિપૂજન બાદથી લોકોએ ઉત્સવ મનાવવાની શરુઆત કરી દીધી હતી. જે અંતર્ગત રાત્રિના સમયે લોકોએ પોતાના ઘર આંગણે દીવડાં પ્રગટાવ્યા હતા.
ગુજરાતના જાણીતા મહિલા ક્રિકેટર અને કોચ જિગ્ના ગજ્જરે પણ પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવીને આ ઉત્સવમાં જોડાયા હતા. આ ઉપરાંત અન્ય નાગરીકોએ પણ જાણે ભગવાન રામને અયોધ્યા નગરી માટે આવકારતા હોય તેમ હર્ષોલ્લાસ સાથે પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવ્યા હતા.
શ્રાવણ મહિનામાં દિવાળી આવી હોય તેમ લોકોએ દીવા પ્રગટાવ્યા હતા. તો કેટલાક સ્થળોએ આતિશબાજી પણ કરવામાં આવી હતી. તેમજ ઠેર ઠેર જય શ્રીરામના નારા સાથે વાતાવરણને રામમય બનાવી દીધુ હતું.