ગુજરાતમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 4 ઓગસ્ટ સાંજથી 5 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1073 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 66777 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1046 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જ્યારે 24 કલાકમાં વધુ 23 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2557 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 49405 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 237 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 161, વડોદરામાં 115 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 47, રાજકોટમાં 80, દાહોદમાં 18, કચ્છમાં 27 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં 24, જામનગરમાં 46 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 14815 એક્ટિવ કેસ છે. જેમાં 76 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 14739 સ્ટેબલ છે.