કરોડો દેશવાસીઓ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એ અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યો છે. આ સાથે જ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઈ છે..
પીએમ મોદીએ અયોધ્યા પહોંચ્યા બાદ હનુમાનગઢી મંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કર્યા બાદ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જોકે આ પહેલા તેમણે વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ રામલલ્લા જે સ્થળે બિરાજમાન છે ત્યાં પહોંચી વડાપ્રધાને દંડવત પ્રણામ કરીને ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ શિલાન્યાસ વિધિમાં જોડાયા હતા.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાતં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત બીએપીએસ સંસ્થાના બે વિદ્વાન સંતો પૂજ્ય બ્રહ્મવિહારીદાસ, પૂજ્ય અક્ષરવત્સલદાસ સહિત દેશના જાણીતા સંપ્રદાયના સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ અયોધ્યા મંદિરના પાયામાં મૂકી હતી. મહત્વનું છે કે, અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈ ઉત્તરપ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે.