5 ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન થવાનુ છે. ત્યારે આ ભૂમિપૂજનને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે ગણતરીના મહેમાનોને ભૂમિપૂજનમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. જોકે, રામ મંદિર બનાવવા માટે સૌથી મોટું કોઈનું આંદોલન હોય તો તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને જ આ માટે આમંત્રણ આપવામાં આવ્યુ નથી. જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.
(File Pic)
રામ મંદિર નિર્માણ માટેના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ બન્ને દિગ્ગજ નેતાઓ ફોન દ્વારા કાર્યક્રમમાં સામેલ થશે. સુત્રોના જણાવ્યા મુજબ, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા માટે કોઈ ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.
(File Pic)
આ બંને નેતાઓને હવે ફોન પર કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવશે. 5 ઓગસ્ટે અયોધ્યાની અનેક જાણીતી હસ્તીઓને રામ મંદિરના ભૂમિપૂજન માટે આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંઘને પણ આમંત્રણ મોકલાયુ છે. તો દેશની ધાર્મિક સંસ્થાના વડા સાધુ-સંતોને પણ આમંત્રણ મોકલાયુ છે.તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
તેવામાં રામ મંદિર આંદોલનનો ચહેરો રહી ચૂકેલા નેતાઓ અડવાણી અને જોશીને આમંત્રણ ન મળતા કાર્યક્રમના આયોજકો પર સવાલ ઉભા થયા છે. મહત્વનું છે કે, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પર 1992ની બાબરી મસ્જિદ તોડવાની કાવતરું ઘડવાનો આરોપ છે. 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.