ભૂતપૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનું લાંબી માંદગી બાદ સિંગાપોરની હોસ્પિટલમાં શનિવારના રોજ નિધન થયુ છે. છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાના કારણે તેઓ સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં થોડા દિવસ અગાઉ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારે શનિવારે બપોરના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમરસિંહના નિધનના અહેવાલ સામે આવ્યા બાદ રાજકીય જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
(File Pic)
તેમના નિધનના પગલે દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યોહતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સુબ્રમણ્યમ સ્વામી સહિતના દિગ્ગજોએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, અમરસિંહ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવના એક સમયના નજીકના મિત્ર ગણાતા હતા.
(File Pic)
બચ્ચન પરિવાર પર કરેલી એક ટિપ્પણી બાદથી છેલ્લા કેટલાક વર્ષોથી તેમના અને અમિતાભ બચ્ચનના સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો. જોકે થોડા સમય પહેલા અમરસિંહે એક વિડિયો જાહેર કરીને અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની માફી પણ માંગી હતી. આ ઉપરાંત અમરસિંહ અને સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પણ સારા મિત્રો હતા.
(File Pic)
મહત્વનું છે કે, અમરસિંહના રાજકીય કરિયરની શરૂઆત 1996મા રાજ્યસભાના સાંસદ બન્યાની સાથે થઈ હતી. તેમજ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.. 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં આવ્યા હતા. તેમની સક્રિયતા સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા બાદ ઓછી થઈ ગઈ હતી. પરંતુ બીમાર થતાં પહેલા તેઓ ભાજપની નજીક આવી રહ્યાં હતા.