ગુજરાતમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 30 જુલાઈ સાંજથી 31 જુલાઈ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1153 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 61732 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 833 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
(File Pic)
જ્યારે 24 કલાકમાં વધુ 23 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2441 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 44907 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 284 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 176, વડોદરામાં 94 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 79, મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં 26, મોરબીમાં 29, ગાંધીનગરમાં 25 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14090 એક્ટિવ કેસ છે. જેમાં 81 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 14009 સ્ટેબલ છે.