ગુજરાતમાં આ વખતે ચોમાસાની સીઝને સારી શરૃઆત કરી છે અને અત્યાર સુધી ૧૩.૨૩ ઈંચ વરસાદ સાથે સિઝનનો લગભગ ૪૧% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨૮ જુલાઇ સુધી રાજ્યમાં ૧૦.૪૭ ઈંચ સાથે ૩૨.૬૦% વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ છે. જેમાં સૌરાષ્ટ્રમાં ૧૮.૫૪ ઈંચ સાથે મોસમનો ૬૯.૬૨%, કચ્છમાં ૧૪.૪૪ ઈંચ સાથે મોસમનો ૮૮.૯૭% વરસાદ નોંધાયો છે.
(File Pic)
બીજીબાજુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં વધુ સારો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે. અરબી સમુદ્રમાં બે વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે સારો વરસાદ રહેવાની શક્યતા છે.
(File Pic)
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસમાં નવસારી-વલસાડના કેટલાક વિસ્તારો, પોરબંદર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હાલ રાજ્યમાં ઘણા જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ જોવા મળી રહ્યુ છે.