ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની લૂંટ ચલાવીને ચાર થી પાંચ લાખના બિલો બનતાં હોવાનું ધ્યાને આવતાં ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે કોરોના સારવારના દરો નિયત કરવામાં આવ્યા છે. જો આ દર કરતાં વધુ દરો લેવામાં આવશે તો જે તે હોસ્પિટલ સામે કાયદાકીય રાહે પગલાં લેવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે એપેડેમિક એક્ટની જોગવાઇને ધ્યાને લઇને રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના સ્વ ખર્ચે આપવામાં આવતી સારવારના દર નક્કી કરવામાં આવ્યા છે..
(File Pic)
આઈ.સી.યુ. ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વૉર્ડમાં પ્રતિદિન રૂ. ૫,૭૦૦ અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન રૂ. ૮,૦૭૫ નો સીલીંગ રેટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે આઈ.સી.યુ. ની સુવિધા સાથેની આરોગ્યલક્ષી સારવાર માટે પ્રતિદિન-પ્રતિ બેડનો વૉર્ડનો દર રૂ. ૬,૦૦૦, હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી. યુ. નો દર રૂ. ૮,૫૦૦, આઈસોલેશનની સાથે આઈ.સી.યુ. ની સેવાના દર રૂ. ૧૪,૫૦૦ અને વેન્ટિલેટર- આઈસોલેશન અને આઈ.સી.યુ. સાથેના દર રૂ. ૧૯,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે.
(File Pic)
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે આ અંગેના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિયત કરેલા આ દર અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. કારણ કે, આ વિસ્તારોમાં આ પહેલાં-શરૂઆતથી જ ભાવો નિયત કરી દેવામાં આવ્યા છે.