દેશમાં વધુ એક વખત આતંકી હુમલાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજનના દિવસે અયોધ્યામાં આતંકી હુમલાને લઈ એલર્ટ જાહેર કર્યુ છે. ગુપ્તચર એજન્સીએ આ ઉપરાંત 15 ઓગસ્ટના રોજ પણ ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
(File Pic)
ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ વખતે ભારતમાં જૈશ અને લશ્કર એ તૈયબાના આતંકીઓ દ્વારા હુમલો કરાવાની ફિરાકમાં છે. આ માટે તે આતંકીઓને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ આપી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ આઈએસઆઈએ તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. આપને જણાવી દઈએ કે, જૈશના આતંકીઓ આત્મઘાતી હુમલા માટે ઓળખાય છે.
(File Pic)
મહત્વનું છે કે, 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો શિલાન્યાસ કરવાના છે અને આ જ દિવસે ગત વર્ષે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. જેને લઈને આતંકીઓ તથા ISI એક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે.
તેમજ તેના 10 દિવસ બાદ ભારતનો સ્વતંત્રતા દિવસ પણ છે અને પાકિસ્તાન ઈચ્છે છે કે આતંકી જૂથ અલગ અલગ જગ્યાએ હુમલા કરે અને એવી રીતે હુમલાને અંજામ આપે કે આ હુમલા ભારતના આંતરિક હુમલા લાગે. ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ દિલ્હી, અયોધ્યા અને કાશ્મીરમાં એલર્ટની સ્થિતિમાં સુરક્ષાદળોને ચોક્સાઈ રાખવા જણાવી દેવાયુ છે.