ગુજરાતમાં બે નવી સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.
(File Pic)
અરબી સમુદ્રમાં બે વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે સારો વરસાદ રહેવાની શક્યતા છે. સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ છુટો છવાયો વરસાદ રહેવાની પણ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, અમરેલી, મોરબી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 40 ટકા વરસાદ નોંધાયો છે. તો બીજીબાજુ હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 20 તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં પારડી-ગણદેવી-ચીખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ વલસાડ અને નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.