આધુનિક સમયના યુદ્ધમાં જેને ‘બ્રહ્માસ્ત્ર’ કહેવામાં આવે છે તે લડાકુ વિમાન ‘રાફેલ’ની પહેલી ખેપ ભારતને મળવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફ્રાન્સથી 7 હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચી રહેલા 5 રાફેલ ફાઇટર જેટ 29 જુલાઈએ ભારતીય વાયુસેનામાં સામેલ થશે. આ ફાઇટર જેટ્સને અંબાલા એરબેઝમાં રાખવાની તૈયારી છે. જે માટે રાફેલના સ્વાગત માટે અત્યારથી અંબાલા એરબેઝને તૈયાર કરવામાં આવી રહ્યું છે.
રાફેલ ભારતમાં આવતા પહેલા અંબાલા એરબેઝની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. બીજી તરફ અંબાલા એરબેઝના 3 કિલોમીટરની ત્રિજ્યામાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાફેલની ભારતમાં આવવાની તૈયારી ચાલી રહી છે. અંબાલા એરબેઝ પર રાફેલ પહોંચતા પહેલા જ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે.
(File Pic)
એરબેઝના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન પર સમગ્રપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કોઈ પણ તેનું ઉલ્લંઘન કરે છે તો તેની પર એક્શન લેવામાં આવશે. અંબાલા છાવણીના ડીએસપી રામ કુમારે જણાવ્યું કે, રાફેલના અંબાલા એરબેઝમાં તૈનાત થવા અમારા માટે ગર્વની વાત છે. અમે અત્યારથી રાફેલની સુરક્ષા માટે અનેક નિયમ તૈયાર કર્યા છે. જો કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.