દિવસેને દિવસે રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને જોતા રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે. કોરોનાના સંક્રમણને જોતા રાજ્યની રુપાણી સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંકટ વધતા જતા સરકાર તરફથી માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવ્યુ છે. જોકે તેમ છતાં ઘણા લોકો માસ્ક ન પહેરતા હોવાથી તેમની પાસેથી રુપિયા 200નો દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે હવે આ દંડની રકમમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
(File Pic)
અમદાવાદ અને સુરત બાદ હવે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં માસ્ક ન પહેરવાના દંડની રકમ વધારીને 500 રુપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ પહેલી ઓગસ્ટથી આખા ગુજરાતમાં લાગૂ પડશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો તેમજ જાહેરમાં થૂકનારા વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની રકમ રૂપિયા 200 છે, આ રકમ પહેલી ઓગષ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.
આ સાથે જ રાજ્યના લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના પાર્લર પરથી બે રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્કનું વેચાણ કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમજ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે રાજ્યમાંથી કોરોના ભાગી ગયો છે.