કોરોના મહામારીના કારણે રાજ્યભરની શાળાઓ હાલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ, કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સ્કૂલોના અભ્યાસક્રમમાં સમયની પણ ખોટ થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં 20થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે.
(File Pic)
ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવા માટેના 3 અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આમાંનો એક વિકલ્પ એ છે કે, જો સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમનું આયોજન તેની સાથે કરવું જોઈએ.
(File Pic)
સુત્રોના જણાવ્યા મુજબ, આનાથી વર્ષ 2020-21ના વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં 20%નો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત સુત્રોના જણાવ્યા મુજબ, ‘જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરવો પડશે. જ્યારે થર્ડ સિનારીયોમાં નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં 40% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે.’ ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરની શાળાઓ માર્ચના મધ્યભાગથી બંધ છે. તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને ઘટાડવાની માંગ પણ થઈ રહી છે.