દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા તેમજ આ સંક્રમણથી લોકોને બચવા માટે માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે. તેવામાં ઝારખંડ સરકારે કોરોનાના નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ માટે માસ્ક ન પહેરવા પર એક લાખ રુપિયા સુધીનો દંડ તેમજ નવા નિયમ મુજબ અન્ય કોઈ નિયમનો ભંગ કરવા પર 2 વર્ષની જેલની સજા પણ ફટકારાશે.
(File Pic)
આ નવા નિયમ મુજબ જો કોઈ નિયમોનો ભંગ કરે કે માસ્ક ન પહેરે તો તેણે 2 વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે છે. જો કે આવા નિયમોના ભંગ કરનારાઓને રોકવા માટે રસ્તાઓ પર કોઈ કડક ચેકિંગ હાલ તો જોવા મળ્યું નથી. રાજધાની રાંચીના રસ્તાઓ પર જ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં.
(File Pic)
મહત્વનું છે કે, ઝારખંડમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ જ કારણે હવે સરકારી હોસ્પિટલોમાં જગ્યા પણ નથી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે ઝારખંડમાં કુલ દર્દીઓની સંખ્યા 6485 છે, જેમાં 64 લોકોનાં મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધી 3024 દર્દી ઠીક થઈ ચુક્યા છે, જ્યારે 3397 એક્ટિવ કેસ છે. છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.