વિશ્વમાં અસંખ્ય દરિયાઈ જીવો છે. તેમાંથી કેટલાકની હજી સુધી શોધ પણ નથી થઈ. ત્યારે તાજેતરમાં એક કોકરોચ (દરિયાઈ વંદો) મળી આવ્યો છે જેના 14 પગ છે અને સામાન્ય વંદા કરતા અનેકગણો મોટો છે. જેના ફોટો અને વિડિયો હાલ વાયરલ થયા છે. આ દરિયાઈ વંદો સિંગાપુરના પીટર એનજી અને તેમના સહયોગીએ દરિયાઈ રિસર્ચ દરમિયાન મળ્યો છે.
આ સાથે જ આ કોકરોચની ઓળખ હવે એક નવી પ્રજાતિના રુપમાં કરવામાં આવી છે જેને બાથિનોમસ રક્સસા નામ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જમીન પર ચાલતા વંદાના છ પગ હોય છે.
જ્યારે હિંદ મહાસાગરમાંથી મળેલા આ વંદાના 14 પગ છે. સિંગાપોરના સંશોધનકારોએ હિંદ મહાસાગરમાંથી પ્રથમ વખત આ અનોખી પ્રજાતિનો દરિયાઇ વંદો શોધી કાઢ્યો છે. જેને ‘જાયન્ટ સી કોકરોચ’ અથવા ‘ડીપ સી કોકરોચ’ કહેવામાં આવે છે. આ 14 પગવાળા દરિયાઈ વંદાનું જૈવિક નામ બાથિનોમસ રક્સાસા છે.
આ કોકરોચને વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં બાનટેન કિનારે જોવામાં આવ્યો હતો. તે પછી તે ક્યારેય દેખાયો નહોતો અને તાજેતરમાં જ હિંદ મહાસાગરમાં તે જોવા મળ્યો હતો. આ દરિયાઇ વંદાને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને ઈન્ડોનેશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રિસર્ચ સેન્ટર ઓફ ઓશિયાનોગ્રાફીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે શોધ્યો છે.