ગુજરાતમાં આગામી સમયમાં મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે. જેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે. તો ભાજપે જીતુ વાઘાણીનો કાર્યકાળ પુરો થતાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સીઆર પાટીલને સોંપી છે.
ત્યારે આ સાથે જ ગુજરાત ભાજપના પ્રમુખ પદે પાટીદાર જ આવશે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે પટેલ તેમાંય ગુજરાતીની જગ્યાએ બિનગુજરાતી અને મૂળ મહારાષ્ટ્રના પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને ગુજરાત ભાજપને ચોંકાવી દીધું છે.
એટલું જ નહીં ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે પાટીદાર પાવર પૂરો કરી દીધો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે, કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને મૂક્યા બાદ ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પટેલ જશે. આ ઉપરાંત ટૂંક સમયમાં રાજ્યની મહાનગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે.
ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર મૂકે તો ભાજપને પટેલ મતોનો ફરી એકવાર ફાયદો મળી શકે તેમ હતું. ત્યારે જ્યાં એકબાજુ કોંગ્રેસે આઠ પેટાચુંટણીની જવાબદારી હાર્દિક પટેલને સોંપી છે તો તેની સામે ભાજપે સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપીને પેટાચુંટણીની જવાબદારી સોંપી છે. આ સાથે જ ગુજરાતની આ વખતની આઠ પેટાચુંટણીમાં જાણે ગુજરાતી વર્સીસ બિનગુજરાતીનો જંગ હોય તેમ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યુ છે.