ગણેશોત્સવ,નવરાત્રી આ બે 10 દિવસના ઉત્સવોનું ભારતમાં ઘણું મહત્વ છે. લોકો ઠેર-ઠેર ગણેશોત્સવમાં ગણેશજીની અને નવરાત્રીમા અંબા માતાજીની મૂર્તિની સ્થાપના કરી ઉત્સવ ઉજવે છે. પણ મોટા ભાગની મૂર્તિઓ POPની હોય છે, જે 10 દિવસ બાદ નદીમાં વિસર્જિત કરાય છે જેથી પાણી પ્રદુષિત થાય છે, યેન કેન પ્રકારે પર્યાવરણને જ નુકશાન થાય છે. જેથી માટીની મૂર્તિઓ સ્થાપિત કરવા જનજાગૃતિના કાર્યક્રમો પણ થાય છે. જોકે, આ ઉત્સવો પહેલા જ અરવલ્લીના મોડાસા પાસે આવેલ સાકરી નદી પ્રદૂષિત થઈ છે. સાકરી નદીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નદીમાં બગડેલી મીઠાઈનો મોટી માત્રામાં જથ્થો નાંખવામાં આવતા નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ બનાવને લઈ પ્રકૃત્તિ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમજ આ કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. આ જથ્થો કોણે ફેંક્યો તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. એકબાજુ ગણેશોત્સવ અને નવરાત્રિનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નદીઓને પ્રદૂષિત ન કરવા માટે લોકોમાં જાગૃત્તિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તો બીજીબાજુ કેટલાક શખ્સો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યુ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -