આગામી સમયમાં પેટા ચુંટણી યોજાનાર છે જેને લઈને હવે કેન્દ્રીય ચુંટણી પંચ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા તમામ રાજકીય પક્ષો પાસે સૂચનો મંગાવ્યા છે. કોરોના સંક્રમણ દરમિયાન કેવી રીતે પ્રચાર કરવામાં આવશે જેથી પ્રચાર પણ થઇ શકે અને કોરોના સંક્રમણ પણ ના ફેલાય. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત છે.
(File Pic)
ત્યારે આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલાં પક્ષપલટા પછી ખાલી પડેલી આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે. આ પેટાચૂંટણી માટે કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચમાં ધમધમાટ શરૂ થયો છે.
(File Pic)
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી એસ.મુરલી ક્રિષ્ણાએ કેન્દ્રીય ચૂંટણીપંચને 20થી વધુ સૂચનો સાથે રિપોર્ટ મોકલ્યો છે.ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં પેટાચૂંટણીનું એલાન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ગુજરાતમાં ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, લિંબડી , ધારી , કરજણ અને અબડાસા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
(File Pic)
કેન્દ્રીય ચૂંટણીપંચે વિડીયો કોન્ફરન્સ કરીને દેશના તમામ મુખ્ય નિર્વાચિન અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણને પગલે કોરોના સંક્રમિત દર્દી પોસ્ટલ બેલેટથી મત નાંખી શકે તે અંગે પણ કેન્દ્રીય ચૂંટણીપંચ વિચાર કરી રહ્યું છે. વધુ ભીડ ન થાય તેના પગલે મતદાન મથકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે ટૂંક જ સમયમાં કેન્દ્રીય ચૂંટણીપંચ મતદાનથી માંડીને પ્રચાર સુધી નવી ગાઇડલાઇન બહાર પાડી શકે છે.