હાલ રાજ્ય સરકાર કોરોના મહામારી સામે જંગ લડી રહી છે. તો બીજીબાજુ વિવિધ ભાગોમાં સરકારી ભરતીઓ માટેની પરીક્ષા લેવાઈ હોવા છતાં ઓર્ડર ન મળતો હોવાને લઈ તેમજ અન્ય સરકારી વિભાગોની પરીક્ષાઓને લઈ ફરી એકવાર ટ્વિટર અભિયાન વેગવંતુ બન્યું છે. લોકડાઉનને કારણે યુવાઓ બેરોજગાર બની રહ્યાં છે.
(File Pic)
માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે. ગુજરાત સરકારમાં ક્લાસ વન- ટુથી લઈને વર્ગ ત્રણમાં ક્લાર્ક અને શિક્ષક સહાયક તેમજ લોકરક્ષકદળની નોકરીઓમાં ભરતી પ્રક્રિયા ઠપ થઈ પડતા પરીક્ષાઓની તૈયારી કરતી એક આખી યુવા પેઢીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ત્યારે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે.
શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે “પહેલા ભરતી પછી ચૂંટણી” સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે.
તો ટ્વિટર પર આ હેશટેગ સાથે સરકાર સામે શિક્ષિત બેરોજગાર યુવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ પહેલા પણ ગુજરાતના બેરોજગાર યુવાનોએ આવા અભિયાન હાથ ધર્યા હતા, જોકે તેમ છતાં સરકારના પેટનું પાણી હલી રહ્યુ નથી.
ત્યારે આ વખતે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર પણ આ બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળે તેવી ખાસ વિનંતી છે.