નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારત પર નેપાળની સરહદમાં અતિક્રમણ કર્યાનો આરોપ લગાવ્યા બાદ હવે અતિ સંવેદનશીલ મુદ્દો છેડ્યો છે. કેપી શર્મા ઓલીએ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાને લઈને અસંવેદનશીલ બાબત કહી છે જેનાથી ભારતમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે.
(File Pic)
તો નેપાળ પીએમના આ નિવેદનને લઈને નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. કેપી શર્મા ઓલીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ હતું કે, ભારતમાં જે અયોધ્યા છે તે નકલી છે જ્યારે અસલી એટલે કે સાચુ અયોધ્યા તો નેપાળમાં છે.
(File Pic)
નેપાળ પીએમએ આટલેથી પણ ના અટકતા કહ્યું હતું કે, ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવ્યું છે પરંતુ અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીના આ નિવેદન બાદ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના સહ અધ્યક્ષ કમલ થાપાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આ પ્રકારના નિરાધાર, અપ્રમાણિત નિવેદનોથી બચવું જોઈએ. થાપાએ ટ્વિટ કરી કે એવું લાગે છે કે પીએમ તણાવનો ઉકેલ લાવવાની જગ્યાએ નેપાળ ભારતના સંબંધ વધુ ખરાબ કરવા માંગે છે.