હાલ કોરોના મહામારીએ રાજ્યને પોતાના ભરડામાં લીધું છે. તેવામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે અને લોકો હવે બહાર પણ મોટાભાગે માસ્ક પહેરીને જ જોવા મળે છે. તેવામાં હવે માસ્કમાં પણ અવનવી ડિઝાઈનો આવવા લાગી છે. બ્રાન્ડેડ કંપનીઓનાં માસ્ક પણ બજારમાં ઉપલબ્ધ છે.
તેવામાં હીરા ઉદ્યોગનું હબ ગણાતું સુરતમાં ડાયમંડવાળા માસ્કે હાલ ચર્ચા જગાવી છે. માસ્ક જોઈને જ તેને પહેરવાનું મન થઈ જાય તેવા ડાયમંડથી ઝગમગતા આ માસ્ક સુરતમાં તૈયાર કરવામાં આવ્યા છે. એક લગ્ન સમારંભ માટે દુલ્હા દુલ્હનની વિશેષ ડીમાન્ડ પર તૈયાર કરેલા આ માસ્કમાં રીયલ ડાયમંડ જડવામાં આવ્યા છે.
જેમાં અમેરિકન ડાયમંડથી તૈયાર થયેલા આ માસ્કની કિંમત દોઢ લાખથી ચાર લાખની છે. આ માસ્કની વિશેષતા એ છે કે કોરોના કાળમાં આ માસ્ક કોરોનાથી તો બચાવશે જ પરંતુ આ માસ્કમાં જડેલા ડાયમંડનો ઉપયોગ અન્ય જ્વેલરીમાં પણ કરી શકાશે. જેના કારણે આ માસ્ક તૈયાર કરાવનાર દેવાંશી ખૂબ જ ખુશ છે.
સુરતના જવેલર્સ દ્વારા તૈયાર કરવામા આવેલ રીયલ ડાયમંડ માસ્કમાં સરકારની ગાઇડલાઇન મુજબ જ કાપડનો ઉપયોગ કરવામા આવ્યો છે. ત્યારે ડાયમંડ સીટી સુરતમાં તૈયાર કરેલા આ ડાયમંડ માસ્ક હવે માસ્કમાં પણ ડાયમંડ માસ્કનો ટ્રેન્ડ લાવે તો નવાઇ નહીં.