ફિક્કી ફ્લો અમદાવાદના ચેરપર્સન અને કમીટીના સદસ્યોએ ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા મિનાક્ષી લેખી સાથે એક ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયક સત્રનું આયોજન કર્યું હતું. મહિલાઓની રાજકારણ અને કાયદાકીય ક્ષેત્રોમાં ભુમિકા વિષય ઉપરના સત્રમાં મહિલા સશક્તિકરણ વિશે ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર અને મિનાક્ષી લેખીના વિઝનમાં ઘણી સામ્યતા જોવા મળી હતી.
મહિલાઓના શોષણ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, આજકાલ આપણે મહિલાઓની જાતિય સતામણી, હુમલા, ઘરેલુ હિંસાઓ જેવી ઘટનાઓના સમાચાર જોઇએ છીએ. દરેક વ્યક્તિ વિષય ઉપર ચર્ચા કરવા ઇચ્છે છે, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે આપણે આ પુનરાવર્તિત ઘટનાઓ ઉપર પૂર્ણવિરામ કેવી રીતે મૂકી શકીએ? આપણે કેવી રીતે નિર્ભીક સમાજનું નિર્માણ કરી શકીએ? જ્યારે હું બાળક હતી ત્યારે આ પ્રશ્નો ઘણી મૂંજવણ પેદા કરતાં હતાં કે આપણે કેવા સમાજમાં રહીએ છીએ અને મને મારા પ્રશ્નનો ક્યારેય જવાબ મળ્યો નથી. જ્યારે હું વકીલ બની ત્યારે મને ખબર પડી કે યુવા મહિલાઓને વધુ સમસ્યા છે અને તેઓ કામના સ્થળે પણ પજવણીનો સામનો કરે છે. આપણે ભેગા મળીને આ સમસ્યાની સામે લડવું પડશે તથા મહિલાઓને તંદુરસ્ત અને સુરક્ષિત સમાજ તથા માહોલ પ્રદાન કરવા માટે પ્રયાસ કરવો પડશે.
વર્તમાન સમયમાં મહામારી દરમિયાન ઘરેલુ હિંસાના કેસમાં વધારા અંગે તરૂણા પટેલના પ્રશ્નનો જવાબ આપતાં મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાની સમસ્યા વિશ્વભરમાં છે. તેનો સામાજિક દરજ્જા, દેશ અથવા રાજ્ય સાથે કોઇ સંબંધ નથી, તે પુરુષોની ભાવનાત્મક સુખાકારી સાથે સંબંધિત છે. નાનપણથી બાળકોનો જે પ્રકારે ઉછેર કરવામાં આવે છે તેની સાથે આ સમસ્યા સંકળાયેલી છે.
મિનાક્ષી લેખી સાથે ફિક્કી ફ્લોના સભ્યોની ચર્ચા અત્યંત માહિતીસભર અને ઉપયોગી સાબિત થઇ હતી. તેમણે મૂશ્કેલ અને સંવેદનશીલ મુદ્દાઓ ઉપર જે પ્રકારે તેમણે વિચારો વ્યક્ત કર્યાં હતાં, તે મુદ્દા વિશે તેમની સંપૂર્ણ જાણકારી દર્શાવે છે. અદિતિ પારેખ સત્રના મોડરેટર હતાં. ઉલ્લેખનીય છે કે ફિક્કી ફ્લો અમદાવાદે આ પ્રસંગે “બોન્ડિંગ ઇન્ટરેસ્ટ ગ્રુપ – ધ પાવર ઓફ કનેક્ટ” પહેલ રજૂ કરી છે, જેનું નેતૃત્વ અદિતિ પારેખ, કિરણ સેવાની, પૂર્વા દામાણી કરી રહ્યાં છે. સરિતા સિન્હાએ આભાર વિધિ કરી હતી.