ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા હવે 40 હજારની ઉપર પહોંચી ગઈ છે જેને લઈ સરકારની પણ ઊંઘ ઉડી ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના કેસની માહિતી આપવામાં આવી હતી.
ત્યારે 9 જુલાઈ સાંજથી 10 જુલાઈ સાંજ સુધીમાં વધુ 875 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 40155 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 14 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2024 થયો છે.
જ્યારે 24 કલાકમાં 441 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 28183 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 269 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 165, વડોદરામાં 69, ભાવનગરમાં 71, જ્યારે ગાંધીનગરમાં 31 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 39, મહેસાણામાં 21, જામનગરમાં 23, ભરુચમાં 14 અને ખેડામાં 17 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 9948 એક્ટિવ કેસ છે. જેમાં 68 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 9880 સ્ટેબલ છે.