ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં પહેલીવાર ડીએસપી કક્ષાના અધિકારી સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબે એનકાઉન્ટરમાં ઠાર મરાયો છે.
ઉત્તર પ્રદેશની પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સનો કાફલો વિકાસને ઉજ્જૈનથી લઈ કાનપુર આવી રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની હતી. ધોધમાર વરસાદ વચ્ચે કાફલો કાનપુર પહોંચ્યો હતો અને ત્યાં જ વિકાસ જે ગાડીમાં સવાર હતો તે ગાડી રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માત બાદ વિકાસ પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને ત્યાંથી નાસી છૂટવા લાગ્યો. પોલીસે વિકાસને સરેન્ડર કરવા કહ્યુ પરંતુ તેણે ફાયરીંગ શરુ કરી દેતા બન્ને પક્ષે ગોળીબાર થયો હતો જેમાં વિકાસ વિકાસ દૂબેને છાતી અને કમરના ભાગે બે ગોળીઓ વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી ખાઈ જતા વિકાસ દૂબે તેમજ અન્ય ચાર પોલીસકર્મચારીને પણ નાની મોટી ઈજા થઈ હતી.