કોરોના મહામારીનો વ્યાપ દિવસેને દિવસે રાજ્યમાં વધી રહ્યો છે તેમાંય સુરત શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. તેવામાં થોડા દિવસ અગાઉ સુરતમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે એક પ્રશ્નના ઉત્તરમાં મને ખબર નથી જવાબ આપ્યો હતો. જેને લઈ સોશિયલ મીડિયામાં લોકોએ મુખ્યમંત્રી વિજય રુપાણીના મને ખબર નથી નિવેદનને ટાંકીને તેમને આડેહાથ લીધા હતા.
ટ્વિટર પર મને ખબર નથી તેવું ટ્વિટર ટ્રેન્ડ ચલાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર પર આકરા પ્રહાર પણ કરાયા હતા. મુખ્યમંત્રીના સ્વાભાવિક જવાબ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #મને ખબર નથી એવો ટ્રેન્ડ ચાલુ થયો હતો.
જેમાં જુદી જુદી ટીપ્પણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આપેલા નિવેદન ‘ખબર નથી મને’ મામલે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આ ટ્રેન્ડ સામે #પાકી ખબર છે મને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પ્રદેશ ભાજપના આઇટીસેલ દ્વારા #પાકી ખબર છે મને એવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે..જોકે તેની સામે સરકારથી નારાજ લોકોએ આ હેશટેગથી સરકાર પર કટાક્ષ પણ કર્યો હતો.
વધુ એક વખત લોકોએ રાજ્ય સરકારને જાણે ટ્વિટર પર ‘પાકી ખબર છે મને’ ટ્રેન્ડ કરીને આડેહાથ લેવાનું શરુ કર્યુ હતું.. તો કેટલાક યુઝર્સે આ હેશટેગ સાથે જોક્સ પણ બનાવ્યા હતા.