કાનપુર શૂટઆઉટના મોસ્ટ વોન્ટેડ વિકાસ દૂબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસે પણ વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી મુજબ, કાનપુર શૂટઆઉટનો મુખ્ય આરોપી વિકાસ દૂબે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો. જ્યાં મંદિરમાં તે 250 રુપિયાની રસીદ ફડાવીને દાખલ થયો હતો. જ્યારબાદ મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓને તેના પર શંકા ગઈ હતી અને તેનો ચહેરો કાનપુર એનકાઉન્ટરના આરોપી સાથે મળતો હોવાની જાણ થતાં આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
જોકે વિકાસ દૂબે પોતાની ઓળખ છૂપાવી ન શક્તા તેણે સરેન્ડર કરી દીધુ અને હાલ સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. યુપી પોલીસે વિકાસ દુબેની ધરપકડની પુષ્ટી કરી છે. આ પહેલા વિકાસ દુબે મીડિયા સમક્ષ સરેન્ડર કરશે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઉજ્જૈનના મહાકાલ પાસે સ્થાનિક પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. સરેન્ડરના સમાચાર મળતા એસટીએફની ટીમ ઉજ્જૈન પહોંચી છે.
મહત્વનું છે કે, આ પહેલા કાનપુર શુટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દૂબેના સાથી પ્રભાત મિશ્રા, બઉઆ દુબે ઉર્ફે પ્રવીણ અને અમર દૂબેને પોલીસે અલગ અલગ જગ્યાએ એનકાઉન્ટરમાં ઠાર કર્યા હતા.