સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે ભારે હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેવી સ્થિતિમાં વિવિધ શૈક્ષણિક બોર્ડ તેમજ યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી રહી છે. તો કેટલીક પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી રહી છે.
(File Pic)
ત્યારે કોરોના સંક્રમણને જોતા સીએની તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએની તમામ પરીક્ષાઓ જુલાઈ-ઓગસ્ટમાં પણ લેવી શક્ય ન હોવાથી અંતે રદ્દ કરવામાં આવી છે. ઈન્સ્ટિટ્યુટ દ્વારા પરીક્ષાઓ કેન્સલ કરવાનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મે મહિનામાં પરીક્ષા આપનારા 3.25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે નવેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરાશે.
આપને જણાવી દઈએ કે, શરુઆતમાં સીએની પરીક્ષા 2 મેથી 18 મે દરમિયાન થવાની હતી, પરંતુ કોરોનાના સંક્રમણને જોતા આ પરીક્ષા 19 જુનથી 4 જુલાઈ અને ત્યારબાદ 29 જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન લેવાનું નક્કી કરાયુ હતું. પરંતુ હવે આ પરીક્ષા રદ્દ કરી નવેમ્બર 2020માં લેવાનું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની વારંવાર પરીક્ષા રદ્દ કરવાની માંગ તેમજ સીએના પરીક્ષા કેન્દ્રોમાં ઉભી થયેલ આઈસોલેશન કોવિડ કેર સેન્ટરની સુવિધા પણ પરીક્ષા રદ્દ થવા પાછળનું એક કારણ છે.