ગુજરાતમાં આગામી 7 જુલાઇ સુધી સામાન્યથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આમ રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સુરત, ગીર સોમનાથ, અમરેલી તેમજ સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કોડીનારમાં પોણા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાફરાબાદમાં 3.5 અને લખતરમાં 3 ઇંચ વરસાદ પડયો છે. તો વડિયા-બાબરામાં 2.5 ઈંચ, વ્યારા-બાવળામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે તલાલા-ડભોઈ અને ડેડિયાપાડામાં સવા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉમરાપાડામાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં ધીમે ધીમે હવે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતને ફરી એકવાર મેઘરાજા ઘમરોળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ફરી મેઘરાજા મંડાશે.
આજથી 7 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી દક્ષિણ ગુજરાત, દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.