સોશિયલ મીડિયામાં પાણીપુરીના ઓટોમેટિક મશીનનો વીડિયો વાઇરલ થયો છે. પાણીપુરીનું આ મશીન ATMની જેમ જ કામ કરે છે. દેખાવમાં પણ આ મશીન અસલ ATM જેવું જ છે. મશીનમાં રૂપિયા નાખતા જ ચોક્કસ સમયના અંતરે મસાલા અને પાણી સાથે ભરાઈને એક પછી એક પુરી બહાર આવે છે.
મળતી માહિતી મુજબ, કોરોનાવાયરસની મહામારી અને લોકડાઉનમાં અનેક લોકોના ધંધા-પાણી ઠપ થઈ ગયા છે. ત્યારે લોકડાઉનના સમયમાં એક 10 ધોરણ પાસ વ્યક્તિએ નવરાશના સમયનો સદઉપયોગ કરી એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવી દીધુ છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી પાણીપુરી ખાઈ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ આ અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું છે. આ એટીએમ મશીનમાં પૈસા નાખવાથી તમારી મનપસંદની પકોડી એક-એક કરી બહાર આવે છે, જે ગ્રાહક જાતે જ ઉઠાવી ખાઈ શકે છે.
https://twitter.com/schintan19882/status/1278939404262752256?s=20
આ અંગે ભરતભાઈએ જણાવ્યું કે, આ મશીન એક એટીએમ સિસ્ટમ જેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. સૌપ્રથમ ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની. રકમ લખ્યા બાદ ગ્રાહકે, મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની, એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું. એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે, જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.