ચીન સામે આર્થિક કાર્યવાહીની દિશામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. પહેલા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને હવે હાઈવે પ્રોજેક્ટમાં પણ ચીનની કંપનીઓની એન્ટ્રી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે.
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, ભારત હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીનની કંપનીઓની એન્ટ્રી બંધ કરશે. મળતી માહિતી મુજબ, નીતિન ગડકરીએ જણાવ્યું કે, જો કોઈ ચાઈનીઝ કંપની જોઈંટ વેંચરનો રસ્તો અપનાવી હાઈવે પ્રોજેક્ટ્સમાં એંટ્રીનો પ્રયાસ કરશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સરકાર એ વાત પણ સુનિશ્ચિત કરશે કે MSME સેક્ટરમાં ચાઈનીઝ ઈન્વેસ્ટમેંટનો પણ મંજુરી ના આપવામાં આવે. આપને જણાવી દઈએ કે, લદ્દાખમાં ગલવાન ઘાટીની ઘટના બાદ બોયકોટ ચાઈના અભિયાન અંતર્ગત સૌથી પહેલા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો હતો.
રેલવેએ ચાઈનીઝ કંપનીને મળેલા 471કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો હતો. રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન લિમિટેડને અપાયેલા એક કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દીધો હતો. મહત્વનું છે કે, 16 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા.