જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
(FILE PIC)
આતંકવાદીઓએ વહેલી સવારે સીઆરપીએફના પેટ્રોલિંગ દળના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકીઓ દ્વારા ફાયરીંગ કરવામાં આવતા સુરક્ષાદળોએ મોરચો સંભાળી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને ઠાર કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ હુમલામાં એક જવાન શહિદ થયો છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે.
આ ઉપરાંત એક સ્થાનિક નાગરીકનું મોત નિપજ્યું છે. જોકે આ દરમિયાન આતંકીઓના ફાયરીંગ વચ્ચે સુરક્ષાદળના એક જવાને બહાદુરીથી એક ત્રણ વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો. ટ્વિટર પર યુઝર્સે આ ફોટો વાયરલ કર્યા હતા.
આ જવાનની તસવીર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને દેશની જનતા ભારતીય સેનાના જવાનની પ્રશંસા કરી રહી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા મુજબ આતંકીઓ દ્વારા સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં એક સીઆરપીએફ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.