ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ની ઉપર નોંધાઈ રહી છે. ત્યારે 29 જુન સાંજથી 30 જુન સાંજ સુધીમાં કોરોનાના નવા 620 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 32643 થઈ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં 24 કલાકમાં વધુ 20 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1848 થયો છે. જ્યારે 24 કલાકમાં 422 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 23670 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં પોઝિટિવ કેસ 199 નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.જ્યારે અમદાવાદમાં 197 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 52 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 20, જામનગરમાં 18, ગાંધીનગરમાં 16, આણંદમાં 14 કેસ સામે આવ્યા છે. તો પાટણમાં 11, કચ્છમાં 9, ભાવનગર-જુનાગઢ અને ભરુચમાં 8-8 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીએ તો મહેસાણામાં 7, રાજકોટ-ખેડામાં 6-6, અરવલ્લી-પંચમહાલમાં 5-5 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 6928 એક્ટિવ કેસ છે. જેમાં 71 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6857 સ્ટેબલ છે.