ભારત-ચીન તણાવ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે સોમવારે એક મહત્વનો નિર્ણય લઈ ચીનને મોટો ઝટકો આપ્યો છે. સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધ મુકવામાં આવેલ એપ્લિકેશનમાં જાણીતી ટિકટોક એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે..
આ ઉપરાંત યુસી બ્રાઉઝર, કૈમ સ્કેનર જેવી અન્ય જાણીતી એપ્લિકેશન પર પણ સરકાર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયની લોકોએ પણ ખૂબ પ્રશંસા કરી છે.
આ નિર્ણય અંગેના અહેવાલ સામે આવતા જ સોશિયલ મીડિયામાં લોકોએ સરકારના આ પગલાની પ્રશંસા કરી હતી. ટ્વિટર પર ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધની પહેલને લઈ યુઝર્સે સરકારના આ નિર્ણયને સમર્થન આપતા ટ્વિટ કર્યા હતા.
તો કેટલાક યુઝર્સે વિડિયો શેર કરીને સરકારના નિર્ણયની પ્રશંસા કરવાની સાથે સાથે ટિકટોક જેવી એપ્લિકેશન બીજા ન બનાવી દે ધ્યાન રાખવા પણ જણાવ્યું છે. કારણકે ટિકટોકમાં ઘણી અશ્લીલ વિડિયો તેમજ અભદ્ર ભાષાના વિડિયો પણ મુકવામાં આવતા હતા. ત્યારે @realjigojogi નામના યુઝર્સે વિડિયો શેર કરી આ અંગે લોકોને ખાસ અપીલ કરી હતી.
તો અન્ય એક યુઝર્સ કે જેના પિતા ઈન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે. તેણે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા સૈનિકોના બાળકોને લઈ એક ભાવુક પોસ્ટ લખી હતી. તેણે લખ્યુ હતું કે મારા જેવા સંરક્ષણ બાળકો માટે ચાઈનાનો બહિષ્કાર કરવો એ આપણા પિતૃઓના બલિદાનની વાત છે. તેણે પોતાની ભાવુક પોસ્ટ સાથે દેશના સૈનિકોના સંતાનોને લઈ એક મોટો સંદેશ આપ્યો હતો.
લદ્દાખની ગલવાન ઘાટીમાં થોડા દિવસો અગાઉ ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા. જોકે આ અથડામણમાં ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપી ચીનના અનેક સૈનિકોને ઠાર કર્યા હતા. જોકે, આ અથડામણની ઘટના બાદ ભારતીયોમાં ચીન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી ચીની સામાનનો તેમજ એપ્લિકેશનનો બહિષ્કાર કરતા જોવા મળ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ચીનની ટિકટોક સહિત 59 એપ્લિકેશન પર પ્રતિબંધના નિર્ણયની પહેલને ચીનને જડબાતોડ જવાબના ભાગરુપે લોકો માની રહ્યા છે.