ભારતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 5.50 લાખની નજીક પહોંચી ગઈ છે. ત્યારે દેશના ઘણા ભાગોમાં કોવિડ 19 હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીઓના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. તેવામાં હૈદરાબાદમાં એક હૃદય કંપાવી દે તેવી ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.
હૈદરાબાદમાં એક 26 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના બેડ પરથી તેના પિતાને એક વીડિયો મોકલ્યો હતો. જોકે આ વીડિયો મોકલ્યાના થોડા જ મિનિટમાં તેનું મોત થયુ. વીડિયોમાં તેણે કહ્યું હતું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી કારણ કે ડોકટરોએ તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, 26 જૂનના રોજ બનેલી આ ઘટનાનો વિડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આ ઘટનાએ જોર પકડ્યું. હૈદરાબાદના એરાગડ્ડાની સરકારી ચેસ્ટ હોસ્પિટલના બેડ પરથી મોકલવામાં આવેલા વીડિયોમાં એક પુત્રએ તેના પિતાને કહ્યું કે, હોસ્પિટલ સ્ટાફે વેન્ટિલેટર કાઢી નાંખ્યું છે અને છેલ્લા ત્રણ કલાકથી ઓક્સિજન સપોર્ટ પૂરા પાડવાની મારી વિનંતીનો જવાબ આપ્યો નથી. મારું હૃદય કામ કરવાનું બંધ કરી ચુક્યું છે અને માત્ર ફેફસાં કામ કરી રહ્યા છે પણ હું શ્વાસ લઈ શકતો નથી ડેડી. બધાંને બાય બાય ડેડી. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો હોસ્પિટલ તંત્રની બેદરકારી બદલ ફિટકાર વરસાવી રહ્યા છે.
https://twitter.com/schintan19882/status/1277528044509425665?s=20