અનામત આંદોલનથી ચર્ચામાં આવેલો હાર્દિક પટેલ તાજેતરમાં જ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે ગુજરાત વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત જગન્નાથ રથયાત્રા મામલે પણ નિવેદન આપી હાર્દિક પટેલ ચર્ચામાં રહ્યો હતો. હવે ફરી એકવાર હાર્દિક પટેલ ફેસબુક પોસ્ટથી ચર્ચામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ફેસબુક પર પોતાની એક મૉર્ફ કરેલી તસવીર પોસ્ટ કરી છે. ગુજરાતમાં કોઈ નેતાએ પોતાની જ મૉર્ફ તસવીર શૅર કરી હોય એવી આ કદાચ પહેલી ઘટના છે.
મળતી માહિતી મુજબ, સોશ્યિલ મીડિયા ઉપર હાર્દિક પટેલનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક પટેલને માથાના વાળ સાથે મહિલા હોય એ રીતે એડિટ કરીને ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે હાર્દિક પટેલ દ્વારા આ ફોટો ભાજપ આઈટીસેલ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
જેને લઈને હાર્દિક પટેલે તેના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે.
ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. હાર્દિકે લખ્યું કે, “તમે મને હૅપ્પી વુમન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી શકો છો… ! હું સુંદર લાગુ છું ને. છેલ્લે એટલું જ કહીશ કે ફોટો પાછળ જે મહેનત કરો છે, એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ન ફરવું પડત.”