કોરોના વાઈરસના સંકટમાં અમરનાથ યાત્રાને લઈને સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે આ વખતે અમરનાથ યાત્રા ઓછા સમય પુરતી જ રહેશે.
આ પહેલા કોરોના વાયરસના કારણે અમરનાથ યાત્રાને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે સરકારે સંકેત આપ્યા છે કે, આ વર્ષે પણ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવશે.
ગત બે-ત્રણ દિવસોથી અમરનાથ યાત્રાની તૈયારીને લઇને ઉચ્ચ સ્તરિય બેઠકો કરવામાં આવી હતી. ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ વર્માના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરિય બેઠક મળી અને જુદાં-જુદાં વિભાગોને અમરનાથા યાત્રાની તૈયારી ઝડપી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જમ્મુ પર્યટન વિભાગના ડાયરેક્ટર રાજ કુમારે કટોચે કહ્યું કે, 20 જુલાઈ બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ શકે છે. આ વર્ષે માત્ર બાલટાલ રૂટ પરથી જ અમરનાથ યાત્રીકો પસાર થશે. મહત્વનું છે કે ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ વર્મા સાથે બેઠક થઈ હતી. જેમાં પ્રવાસન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને જમ્મુ મ્યૂનિસિપલ કોર્પોરેશનને અમરનાથ યાત્રા માટે જલ્દી તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. જમ્મુ સિટીના ડેપ્યુટી મેયર પુરનિયા શર્માએ જણાવ્યું હતું કે, જમ્મૂ મ્યૂનિસિપલ કોર્પોરેશનને યાત્રી નિવાસ ભવનને સેનિટાઈઝ અને સાફ-સફાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમારા કર્મચારી અમરનાથા તિર્થયાત્રા પૂર્ણ થવા સુધી 24 કલાક ડ્યૂટી પર હશે.