બિહારમાં ગુરુવારે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે આકાશી આફતરૂપી વીજળી પડવાથી 83 લોકોના મોતની ભયાનક ખબર સામે આવી છે. આ સાથે લગભગ એક ડઝન જેટલાં લોકો ગંભીર હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછાં 20 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી અને તોફાનની સાથે ભારે વરસાદે તબાહી મચાવી છે. બિહારના ગોપાલગંજ, મધુબની, પૂર્વી ચંપારણ, બેતિયા સહિતના પંથકોમાં વીજળી તેમજ ભારે વાવાઝોડાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. બિહારના 23 જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે.
ભારે વરસાદ અને પવનની સાથે આકાશમાંથી વીજળીના કહેરથી 83 લોકોના મોત થયા છે. સાથે જ વીજળીની ચપેટમાં આવેલા લોકો ગંભીર રૂપથી કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે. જેમાં સૌથી વધુ મોત ગોપાલગંજમાં થઈ છે જ્યાં 13 લોકોના મોત થયા છે.
તો પૂર્વી ચંપારણમાં 5, સિવાનમાં 6, દરભંગામાં 5, ભાગલપુરમાં 6 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત મધુબની-નવાદામાં 8-8 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ વીજળી તેમજ તોફાનના કારણે લોકોના મોત નિપજ્યા છે. મહત્વનું છે કે બિહારમાં અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો આંકડો 24 જુન સુધી 56 પર પહોંચ્યો છે. ત્યારે કોરોનાથી મોત બિહારમાં થયા છે તેનાથી લગભગ ડબલ જેટલો આંકડો આજે એક દિવસમાં આ વીજળી પડવાથી મોત થતાં દેશમાં ખળભળાટ મચી ગયો છે.