ગુજરાતમાં કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 577 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 410 દર્દીની તબિયતમાં સુધારો થયો છે. ગુજરાતમાં 577 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 29578 થઈ ગઈ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1754 થયો છે.
જ્યારે અત્યાર સુધી કુલ 21506 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 238 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 164, વડોદરામાં 44 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 14, નર્મદામાં 11, ગાંધીનગરમાં 15, રાજકોટમાં 14 કેસ નોંધાયા છે. તો ભરુચમાં 9, વલસાડમાં 8, આણંદમાં 7, પંચમહાલ-ખેડામાં 6-6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ-નવસારી-ભાવનગરમાં 5-5 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત જુનાગઢ-મહેસાણા-ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં 3, અરવલ્લી-સાબરકાંઠા-પાટણ અને સુરેન્દ્રનગરમાં 2-2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 6318 એક્ટિવ કેસ છે.