લદ્દાખમાં ત્રણ સ્થળો પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે બે દિવસના લદ્દાખ પ્રવાસે છે. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસે તેમણે લદ્દાખમાં ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પૂર્વી લદ્દાખ ક્ષેત્રની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લઈ સેના પ્રમુખે અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી તેમને સન્માનિત કર્યા હતા.
તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. એક તરફ લદ્દાખની LAC પર તણાવ ચાલી રહ્યો છે અને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ સેના પ્રમુખ નરવણે એ સૈનિકો સાથે મળીને વાતચીત કરી હતી.
આ દરમિયાન સેના પ્રમુખે ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લઇને પરિસ્થિતિની સમીક્ષા કરી. સેના પ્રમુખે અહી તૈનાત જવાનોને તેમના શાનદાર કામ, ઉત્સાહ અને સાહસને લઇને પ્રશિસ્ત પત્ર પણ એનાયત કર્યાં. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારના રોજ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ લદ્દાખ પહોંચ્યાં હતા. ત્યાં સૌથી પહેલા લેહ સ્થિત સૈનિકોની હોસ્પિટલ પહોંચ્યાં હતા. જ્યાં ઇજાગ્રસ્ત સૈનિકોની સારવાર ચાલે છે. દિલ્હીમાં સૈન્ય કમાંડરોની કોન્ફરન્સમાં ભાગ લીધા પછી તેઓ લેહ માટે રવાના થયા હતા.