ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે બુધવારે સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. તો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં વરસાદી ઝાપટુ પડ્યુ હતું.
આણંદ જિલ્લાના પેટલાદ સહિતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરુ થતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. તો ભાવનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અમદાવાદ સહિતના શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે.
દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રિનું તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે રાતે અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ સર્જાયો છે.અમદાવાદમાં બુધવારે લઘુત્તમ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. જેના પગલે લોકોએ ગરમી અને ઉકળાટનો અનુભવ કર્યોહતો. આ ઉપરાંત ગાંધીનગરમાં 35 ડિગ્રી, રાજકોટમાં 37 ડિગ્રી, અમરેલીમાં 34 ડિગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. બીજીબાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડશે. જ્યારે આ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.