બાબા રામદેવે આજે કોરોનાની આયુર્વેદિક દવા બનાવવાનો દાવો કરતા કોરોનિલ નામની દવા લોન્ચ કરી હતી. આ દવા કોરોનાના દર્દીઓ પર અસરકારક સાબિત થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવા લૉન્ચ કરી. પતંજલીનો દાવો છે કે કોરોનિલ કોરોનાની સારવારમાં કારગર છે.
યોગગુરુ રામદેવે કહ્યું કે, કોરોનિલનું 280 કોરોનાના દર્દીઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દવાને સમગ્ર રિસર્ચની સાથે તૈયાર કરવામાં આવી છે અને તેના સારા પરિણામ આવી રહ્યા છે. આ દવા પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુરે મળીને બનાવી છે. કંપનીનો દાવો છે કે કોરોનિલ ક્લિનિકલ કન્ટ્રોલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.
હાલમાં તેનું પ્રોડક્શન હરિદ્વારની દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ કરી રહ્યા છે. યોગગુરુ બાબા રામદેવેએ જણાવ્યું કે, આ દવાથી ત્રણ દિવસની અંદર 69 ટકા દર્દી રિકવર થઈ ગયા. એટલે કે પોઝિટિવથી નેગેટિવ થઈ ગયા..
બીજી તરફ, આ દવાના માધ્યમથી 7 દિવસમાં 100 ટકા દર્દી સાજા થઈ ગયા છે. આ અંગે પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, કોરોનિલ કિટ 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ કિટ 30 દિવસ માટે છે. એપ દ્વારા કોરોના કિટની ડિલિવરી ઓર્ડર મળતાં બે કલાકમાં કરવામાં આવશે.