ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 563 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 24 કલાકમાં 560 દર્દીની તબિયતમાં સુધારો થયો છે.
ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 27880 થઈ ગઈ છે.. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1685 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 19917 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 314 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 132, વડોદરામાં 44 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 10, ગાંધીનગર-જુનાગઢ-નર્મદામાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભરુચમાં 5, મહેસાણામાં 4 કેસ નોંધાયા છે. તો ભાવનગર-પાટણ-ખેડામાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે મહિસાગર-સાબરકાંઠા-બોટાદ-ગીરસોમનાથ-અમરેલી-વલસાડમાં 2-2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 6278 એક્ટિવ કેસ છે. જેમાં 67 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6211 સ્ટેબલ છે.