બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અસાધારણ સભામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પૈકી વકિલોને અન્ય નોકરી તેમજ ધંધો કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસના કારણે તમામ કોર્ટ છેલ્લા 3 મહિનાથી બંધ હતી જેના કારણે વકિલોની પણ આર્થિક સ્થિતિ કપરી બની છે. તેવી સ્થિતિમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(File Pics)
એડવોકેટ્સ એક્ટની કલમ 35 મુજબ જો કોઈ વકીલ અન્ય પ્રોફેશન, નોકરી તેમજ ધંધા સહિત અન્ય લિગલ પ્રેક્ટિસ સાથે સંકળાયેલો હોય તો તેને પ્રેક્ટિસ કરવા માટેનું લાયસન્સ આપી શકાય નહીં.રાજ્યના 75 હજારથી વધુ સભ્યોની નાણાંકીય મુશ્કેલીઓને ટાંકતા બાર કાઉન્સિલના ચુંટાયેલા પ્રતિનિધિઓએ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો કે વકિલો તેમની લીગલ પ્રેક્ટિસથી વંચિત હોવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા વકિલો આર્થિક સદ્ધરતા માટે 31 ડિસેમ્બર, 2020 સુધી કોઈપણ નોકરી અથવા ધંધો કરી શકે છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વકિલોએ તેવા વ્યવસાયોમાં કામ કરવુ જોઈએ જેમાં તેમની ગરમી જળવાઈ રહે. મહત્વનું છે કે, દેશમાં લોકડાઉનના સમયગાળામાં અને માર્ચમાં નીચલી અદાલતો બંધ થયા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતએ જરુરીયાતમંદ વકિલોને 5 હજાર રુપિયાની સહાય જાહેર કરી હતી. આ માટે 8500 વકિલો માટે 4.5 કરોડ રુપિયાનું ફંડ અપાયુ હતું.