ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાયબર હુમલો થતાં ખળભળાટ મચ્યો છે ત્યારે હવે ભારત સહિત 6 દેશો પર પણ સાયબર એટેકનો ખતરો મંડરાઈ રહ્યો છે.
સાયબર ગુનેગારો કોરોના રોગચાળાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાઓનું કાવતરુ ઘડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે સાયબર ગુનેગારો કોવિડ19ને લગતી માહિતી આપવાના નામે તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તેમજ અંગત માહિતી પણ ચોરી શકે છે.
સરકારે જણાવ્યુ છે કે, રવિવારથી એટલે કે 21 જુનથી આ હુમલાની શરુઆત થઈ શકે છે. જેથી લોકોએ સજાગ રહેવુ જોઈએ. આ માટે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે ઠગ પોતાને એવી સંસ્થાઓ અથવા સંગઠનો તરીકે બતાવી શકે છે કે જે સરકારી નાણાકીય સહાયનું વિતરણ કરે છે.
એડવાઈઝરીમાં ‘[email protected]’ જેવા ઇમેઇલ આઈડી સાથે ખાસ કરીને સાવચેત રહેવાની સૂચના આપીને તેને ન ખોલવાની સૂચના અપાઈ છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી સતત સાઇબર હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોરોના વાઇરસ મહામારી બાદ સાઇબર હુમલામાં વધારો પણ થયો છે.
હવે એક નવા રિપોર્ટ અનુસાર ભારત એ છ દેશોમાં સામેલ છે કે જ્યાં ૨૧મી જૂને એટલે કે રવિવારે એક મોટો સાઇબર હુમલો થઇ શકે છે. ઉત્તર કોરિયાના હેકર્સ કોવિડ-૧૯ થીમને હથિયાર બનાવીને ફિશિંગ અને સ્કેમ કેમ્પેઇન કરી શકે છે. ઝેડડીનેટની શુક્રવારે પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર લઝારુસ ગ્રુપ દ્વારા એક મોટો સાઇબર એટેક કરવામાં આવી શકે છે.આ એટેકમાં ૫૦ લાખથી વધુ લોકો અને કંપનીઓ નિશાના પર છે. જેમાં નાના અને મોટા વ્યાપારીઓ પણ સામેલ છે. ભારત ઉપરાંત સિંગાપુર, સાઉથ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રિટનમાં આ મોટો સાઇબર હુમલો થવાની ભીતિ છે. આ મામલે એજન્સીઓએ પણ એલર્ટ જારી કરી દીધુ છે અને મામલાની તપાસ ચાલી રહી છે.